૪૩ દિવસમાંથી ૩૦ દિવસ વેન્ટિલેટર પર રહ્યા બાદ ૩૩ વર્ષના વિજયે કોરોના સામે ઝઝૂમી વિજય મેળવ્યો

  • સિવિલ હોસ્પિટલની સ્વસ્છતા…. સારવારની વ્યવસ્થા…. તબીબોની સંવેદનશીલતાથી પ્રભાવિત વિજય ઠાકોર
અમદાવાદ સિવિલની ૧૨૦૦ બેડ ડેડિકેટેડ હોસ્પિટલમાં કોરોનાના લક્ષણ સા઼થે ૧૦૮માં બેસી ઈમરજન્સી સારવાર માટે વિજયભાઈ આવ્યા ત્યારે હાલત ખૂબ જ ગંભીર હતી. એટલી ગંભીર કે તેમને સીધા વેન્ટીલેટર પર સારવાર અર્થે મૂકવામાં આવ્યા…શરીરે સ્વસ્થ દેખાતા વિજયભાઈના ફેફસામાં એકાએક તકલીફ થઈ સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી ૩૦ દિવસ સુધી વેન્ટીલેટર પર રાખવા પડ્યા. સતત ૩૦ દિવસ સુધી જિંદગી અને મોતની એ ક્ષણો વચ્ચે ઝઝૂમી ૪૩ દિવસની સારવાર બાદ વિજયભાઈએ કોરોના પર વિજય મેળવી કોરોનાને વિદાય આપી આજે ઘરવાપસી કરી હતી……
કોરોના વાયરસે ભલભલાને હેરાન કર્યા છે. સંપૂર્ણપણે સ્વસ્થ વ્યક્તિ પણ કોરોના સંક્રમિતના સંપર્કમાં આવે તો સંક્રમિત થઈ જાય.એવામાં કો-મોર્બિડ(ડાયાબિટીસ, બી. પી. કે અન્ય બિમારી)ધરાવતા દર્દી માટે તો કોરોના ખૂબ જ નુકસાનકારક બની રહે છે.એવામાં સામાન્યપણે સ્વસ્થ દેખાતા વ્યક્તિને આટલો લાંબો સમય કોરોના સામે ઝઝૂમવું પડે તે અતિ ગંભીર પરિસ્થિતિ કહેવાય.
હોસ્પિટલના તબીબો મારા માટે ખરા અર્થમાં ભગવાન છે.તેમણે મને બચાવવા કરેલા અથાગ પ્રયત્નો અને શ્રેષ્ઠ સારવારની સાથે સતત મારા સ્વાસ્થ્યની દરકાર કરીને મારી સાથે મારી પત્ની અને બે બાળકોના પણ જીવ પણ બચાવ્યા છે તેમ વિજયભાઈ ઠાકોર કહે છે.
વિજયભાઈ લાગણીસભર સ્વરે ભીની આંખે  કહે છે કે, જો હું સિવિલ ના આવ્યો હોત તો હું બચી શક્યો ન હોત. મારો પરિવાર રઝળી પડ્યો હોત. સિવિલના તબીબોએ મારા જીવનમાં દેવદૂત બનીને મને નવજીવન બક્ષ્યું છે.
અહીંના તબીબો દિવસ -રાત અમારી સારસંભાળ રાખતા. હું ૩૦ દિવસ વેન્ટીલેટર પર હતો ત્યારે મારા પરિવારને પણ નિયમિત વિડીયો કોલ કરી મારાથી રૂબરૂ કરાવતા. ઓડિયો કોલ મારફતે મારી તબીબી હાલત જણાવી મારા પરિવારને ચિંતામુક્ત કરતા….. આટલી ચિંતા કોણ કરે??? આ તો સિવિલ હોસ્પિટલના તબીબો સાથે અહીંના નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફની સંવેદનશીલતાના કારણે જ આ  શક્ય બન્યું તેવું ભાવવિભોર બનેલા વિજયભાઈએ કહ્યુ હતુ.
સિવિલ હોસ્પિટલની સારવાર, અત્યાધુનિક મશીનરી,સિવિલની સ્વચ્છતા, તબીબો, નર્સિંગ સ્ટાફ, અન્ય સ્ટાફની સંવેદનશીલતા સાથે કોઈપણ ભોગે દર્દીનો જીવ બચાવવાની પ્રતિબદ્ધતાના કારણે જ હું આજે જીવી શક્યો છું. સિવિલની સારવાર પર શંકા કરવી એટલે ભગવાનની ભક્તિ પર શંકા કરવા સમાન છે.
THANK YOU FOR VISIT

Leave a Comment